અંધકારમાં ડૂબ્યું બાંગ્લાદેશ: ઉર્જા સંકટ ઉકેલવા ભારત પાસે માંગી મદદ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
Paras Joshi
Author
બાંગ્લાદેશમાં સર્જાયેલી ગંભીર ઉર્જા ક્ષતિ અને તેના માટે ભારત પાસે મંગાયેલી મદદ અંગેની અહેવાલો પર ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિજળી અને ઇંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે બાંગ્લાદેશના મંત્રી ઇકબાલ હસન મહમૂદે ભારત સરકાર પાસે વધુ ડીઝલ ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી છે.
વિદેશ મંત્રાલય (MEA) નું વલણ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસ્વાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સાથે અમારો ઉર્જા સહયોગ સતત ચાલી રહ્યો છે. જ્યાં સુધી વધારાની ઇંધણ માંગનો સવાલ છે, અમે અમારી પોતાની જરૂરિયાતો, અમારી રિફાઇનિંગ ક્ષમતા અને દેશમાં ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ વિનંતી પર વિચાર કરી રહ્યા છીએ.
અંધકારમાં ડૂબ્યું બાંગ્લાદેશ, જનતામાં રોષ
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ 8 થી 10 કલાક સુધીનો લાંબો પાવર કટ (લોડ શેડિંગ) થઈ રહ્યો છે. વીજળી બચાવવા માટે તારિક રહેમાનની સરકારે શોપિંગ મોલ, દુકાનો અને બજારો રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાનો આદેશ આપવો પડ્યો છે. બાંગ્લાદેશના નાણાં મંત્રી આમિર ખસરુ મહમૂદ ચૌધરીએ 16 August 2026 ના રોજ જણાવ્યું હતું કે, દેશના આ ઉર્જા સંકટને સંપૂર્ણ રીતે ઉકેલવામાં ઓછામાં ઓછા 2 વર્ષનો સમય લાગશે. તેમણે ઉમેર્યું કે ફ્લોટિંગ LNG ટર્મિનલ બનાવવામાં જ આશરે દોઢથી 2 વર્ષનો સમય લાગશે, જેથી ત્યાં સુધી આ સમસ્યાનું કાયમી સમાધાન શક્ય નથી. વીજ ઉત્પાદનમાં થયેલા મોટા ઘટાડા અને સરકાર દ્વારા લાદવામાં આવેલા લોડ શેડિંગના કારણે જનતામાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શનની ભીતિને પગલે ઘણા જિલ્લાઓમાં વીજ વિતરણ કંપનીઓની કચેરીઓએ સુરક્ષા વધારવા પોલીસ મુખ્યમથક અને કાયદા અમલીકરણ એજન્સીઓ પાસે મદદ માગવી પડી છે.
બેકફૂટ પર બાંગ્લાદેશ સરકાર
બાંગ્લાદેશના વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રી ઇકબાલ હસન મહમૂદે સરકારની મર્યાદિત ક્ષમતા સ્વીકારતા કહ્યું હતું કે લોડ શેડિંગ સિવાય હાલ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે, "અમે સતત કામ કરી રહ્યા છીએ, પરંતુ આ સંકટના સમયે હું વધારે કશું કરી શકું તેમ નથી. ગેસ નિષ્કર્ષણ અને ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રીગેસિફિકેશન યુનિટ (FSRU) વગર હાલ ઉપલબ્ધ ગેસનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે."