Home Sports
August 24, 2026

મેન્સ હોકી વર્લ્ડ કપ 2026: હાર છતાં ભારત માટે સેમિફાઇનલના દરવાજા ખુલ્લા, સમીકરણો બન્યા ભારે રોમાંચક

Paras Joshi

Author

Post Image

મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માં ઈંગ્લેન્ડ અને નીધરલેન્ડ્સ સામે પરાજયનો સામનો કર્યા છતાં ભારતીય હોકી ટીમ માટે સેમિફાઇનલના દરવાજા હજુ પૂરેપૂરા બંધ થયા નથી. પૂલ-E માં અર્જેન્ટીનાએ ઈંગ્લેન્ડ સામે મેળવેલી 3-1 થી મોટી જીતે ભારત માટે અંતિમ-4 માં પહોંચવાની એક આશાસ્પદ તક ઉભી કરી દીધી છે. જોકે, હવે ભારત માટે માત્ર મેચ જીતવી પૂરતી નહીં રહે, પરંતુ સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કરવા માટે ગોલ તફાવત (Goal Difference) અને નીધરલેન્ડ્સના વિજય પર પણ નિર્ભર રહેવું પડશે.

પૂલ-E નું વર્તમાન ટેબલ અને ગણિત

નીધરલેન્ડ્સની ટીમ સતત બે જીત સાથે કુલ 6 પોઇન્ટ મેળવીને પૂલ-E માંથી અગાઉથી જ સેમિફાઇનલમાં ક્વોલિફાય થઈ ચૂકી છે. હવે પૂલમાંથી બચેલી માત્ર 1 જગ્યા માટે ભારત, અર્જેન્ટીના અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. અર્જેન્ટીના અને ઈંગ્લેન્ડ બંને પાસે હાલ 3-3 પોઇન્ટ છે અને બંનેનો ગોલ ડિફરન્સ 0 છે. બીજી તરફ, ભારતીય ટીમ પોતાના બંને પ્રારંભિક મુકાબલા હારીને 0 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને ભારતનો ગોલ ડિફરન્સ -4 છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારત સામે પહેલી શરત એ છે કે તેણે પોતાની છેલ્લી પૂલ મેચમાં અર્જેન્ટીનાને ભારે માર્જિનથી હરાવવું પડશે. આ સાથે જ નીધરલેન્ડ્સ પણ પોતાની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને માત આપે તે અત્યંત જરૂરી છે. જો ઈંગ્લેન્ડ નીધરલેન્ડ્સ સામે જીતી જાય કે મેચ ડ્રો થાય, તો ભારતની તમામ આશાઓ પર પાણી ફરી વળશે.

ટાઈબ્રેકર અને ગોલનો ખેલ

જો ભારત અને નીધરલેન્ડ્સ બંને પોતાની મેચો જીતી જાય, તો પણ નિર્ણય ગોલ ડિફરન્સ પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે, જો ભારત અર્જેન્ટીનાને 3-1 થી હરાવે છે, તો ભારતનો કુલ સ્કોર 6 ગોલ કર્યા સામે 8 ગોલ ખાધાનો થશે. ત્યારબાદ જો નીધરલેન્ડ્સ ઈંગ્લેન્ડને 2-0 થી હરાવે, તો ઈંગ્લેન્ડ 5 ગોલ કરીને 7 ગોલ ખાવાના વિશ્લેષણ સાથે ટૂર્નામેન્ટ પૂરી કરશે. આ સ્થિતિમાં ભારત વધુ ગોલ સ્કોર કરવાના આધારે આગળ નીકળી શકે છે.

જોકે, જો ભારત અર્જેન્ટીનાને 3-1 થી હરાવે અને બીજી તરફ નીધરલેન્ડ્સ પણ ઈંગ્લેન્ડને 3-1 થી માત આપે, તો ભારત અને ઈંગ્લેન્ડ બંનેના આંકડા 6 ગોલ કર્યા અને 8 ગોલ ખાધા સાથે બરાબર થઈ જશે. આવા સંજોગોમાં મામલો ટાઈબ્રેકર સુધી પહોંચશે, જ્યાં ભારત બેકફૂટ પર આવી શકે છે. ભારતે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં માત્ર 1 જ ફીલ્ડ ગોલ કર્યો છે (જે દિલપ્રીત સિંહે ઈંગ્લેન્ડ સામે કર્યો હતો), જ્યારે ઈંગ્લેન્ડે 3 ફીલ્ડ ગોલ કર્યા છે.

અર્જેન્ટીનાનો મોટો પડકાર

આ તમામ ગણિત વચ્ચે ભારતીય ટીમ માટે અર્જેન્ટીના સામે વિજય મેળવવો પણ આસાન નહીં હોય. આ જ વર્ષે FIH પ્રો લીગમાં ભારત અને અર્જેન્ટીના વચ્ચે 2 મુકાબલા ખેલાયા હતા અને બંનેમાં અર્જેન્ટીનાનો વિજય થયો હતો. જેમાં એક મેચમાં ભારતને 0-8 થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચ અર્જેન્ટીનાએ 4-2 થી જીતી લીધી હતી. તેથી ભારતીય ટીમે સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે અર્જેન્ટીના સામે ગોલનો વિશાળ તફાવત રાખીને જીત નોંધાવવી પડશે.