IPL 2026 : હૈદરાબાદ સામે પંબાજની શાનદાર જીત, પ્રિયાાંશ આર્યા અને શ્રેયસ ઐયરની શાનદાર બેટિંગ
Paras Joshi
Author
IPL ૨૦૨૬ના ૧૭મા મુકાબલામાં પંજાબ કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ૬ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સે ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૨૦ રન બનાવી મેચ જીતી લીધી હતી. પંજાબ તરફથી પ્રિયાંશ આર્યાએ માત્ર ૧૬ બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જ્યારે શ્રેયસ અય્યરે અણનમ ૬૯ રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. હૈદરાબાદ માટે અભિષેક શર્માની ૭૪ રનની ઇનિંગ એળે ગઈ હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત અત્યંત સ્ફોટક રહી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડીએ પંજાબના બોલરો પર આક્રમણ કરતા પાવરપ્લેની ૬ ઓવરમાં જ ૧૦૫ રન જોડી દીધા હતા. અભિષેક શર્માએ માત્ર ૨૮ બોલમાં ૭૪ રન ફટકારીને હૈદરાબાદ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. જોકે, મિડલ ઓર્ડરમાં હેનરિક ક્લાસેનની ૩૩ બોલમાં ૩૯ રનની ધીમી બેટિંગને કારણે હૈદરાબાદની રન ગતિ અટકી પડી હતી. ઈશાન કિશને ૧૭ બોલમાં ૨૭ રન અને અનિકેત વર્માએ ૯ બોલમાં ૧૮ રનનું યોગદાન આપ્યું હતું, જેના કારણે હૈદરાબાદ ૨૧૯ રન સુધી પહોંચી શક્યું હતું. પંજાબ તરફથી શશાંક સિંહ અને અર્શદીપ સિંહે ૨-૨ વિકેટો ઝડપી હતી.
૨૨૦ રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પણ વળતો પ્રહાર કર્યો હતો. યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યાએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી માત્ર ૧૬ બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. પ્રિયાંશ ૨૦ બોલમાં ૫૭ રન બનાવી આઉટ થયો હતો, જ્યારે પ્રભસિમરન સિંહે પણ ૨૫ બોલમાં ૫૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંનેની આક્રમક રમતને કારણે પંજાબે પ્રથમ ૬.૨ ઓવરમાં જ ૯૯ રન બનાવી લીધા હતા. શરૂઆતની આ વિસ્ફોટક બેટિંગે મધ્યમ ક્રમના બેટ્સમેનો માટે કામ આસાન કરી દીધું હતું.
ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા ૩૩ બોલમાં અણનમ ૬૯ રન બનાવ્યા હતા. અય્યરે મેચને અંત સુધી ખેંચી જઈને પંજાબની જીત સુનિશ્ચિત કરી હતી. શશાંક સિંહે પણ અંતમાં ૧૬ રન બનાવી અણનમ રહીને કેપ્ટનનો સાથ આપ્યો હતો. પંજાબે માત્ર ૧૮.૫ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવી ૨૨૦ રન બનાવી લીધા હતા. હૈદરાબાદની બોલિંગ આ વિશાળ સ્કોર બચાવવામાં સદંતર નિષ્ફળ રહી હતી અને પંજાબના બેટ્સમેનો સામે એકપણ રણનીતિ કારગત નીવડી નહોતી.
આ જીત સાથે પંજાબ કિંગ્સે ૪ મેચોમાં ૭ પોઈન્ટ્સ મેળવી લીધા છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગયા છે. પંજાબની એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી, પરંતુ બાકીની ત્રણ જીત સાબિત કરે છે કે આ વખતે તેઓ ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ચિંતાનો વિષય એ છે કે ૨૧૯ રન બનાવ્યા હોવા છતાં તેમની બોલિંગ હરીફ ટીમને રોકી શકી નહોતી. હૈદરાબાદ ૪ મેચમાં ૩ હાર સાથે હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયું છે.