Home National
November 01, 2026

રાજકોટની સરાઝા હોટેલમાં અડધી રાત્રે દારૂ પાર્ટી પર દરોડો: ઉદ્યોગપતિઓ અને મહિલાઓ સહિત 76 ઝડપાયા

Paras Joshi

Author

Post Image

દિવાળીના તહેવારોની રોશની વચ્ચે રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ સ્થિત ‘સરાઝા હોટેલ’માં યોજાયેલી એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે. 31 ઓક્ટોબરની મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે એલસીબી (LCB) ઝોન-2ની ટીમે અચાનક ઓચિંતો દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા 43 પુરુષો અને 33 મહિલાઓ મળી કુલ 76 લોકોને ઝડપી લીધા હતા.

જન્મદિવસની અગાઉથી ઉજવણી અને સોશિયલ મીડિયા વીડિયો

મળતી માહિતી મુજબ, આ ભવ્ય પાર્ટીનું આયોજન ‘ડેકોરા ગ્રુપ’ના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. જોકે તેમનો જન્મદિન 12 નવેમ્બરે આવે છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અગાઉથી જ આ ઉજવણી ગોઠવવામાં આવી હતી. મોડી રાત્રે હોટેલમાં ચાલી રહેલી દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને તાબડતોબ દરોડો પાડ્યો હતો.

ઉદ્યોગપતિઓની હાજરી અને મોંઘીદાટ લક્ઝરી કારોનો જમાવડો

પોલીસની ટીમ હોટેલમાં પ્રવેશી ત્યારે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હોટેલના પાર્કિંગમાં રાજકોટ અને મોરબીના અગ્રણી વેપારીઓ તથા બિલ્ડરોની મોંઘીદાટ લક્ઝરી કારોની લાંબી લાઈન જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણીતી ટાઈલ્સ ઉત્પાદક કંપની ‘વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડ’ના મેનેજિંગ ડિરેક્ટર મનીષ વરમોરાની હાજરી પણ સામે આવી છે, અને સ્થળ પરથી કંપનીના નામની ફોર્ચ્યુનર કાર સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

લાઈટો ગુલ કરી કેમેરાથી બચવા મોઢાં ઢાંકવાનો પ્રયાસ

રેડ દરમિયાન અચાનક જ હોટેલની બત્તીઓ બંધ થઈ જતાં ભારે રહસ્ય સર્જાયું હતું. રાત્રે 3 વાગ્યાથી 3:40 વાગ્યા સુધી હોટેલની અંદર અને બહારની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. તે જ સમયે કેટલાક રાજકીય અગ્રણીઓના સેટલમેન્ટ માટે ફોન આવ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પાર્ટીમાં હાજર મહિલાઓને મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે કેમેરા અને મીડિયાથી પોતાની ઓળખ છુપાવવા મહિલાઓએ દુપટ્ટાના બદલે ખુરશી તથા ટેબલના કવર વડે મોઢાં ઢાંકી દીધાં હતાં.

વિદેશી દારૂનો જથ્થો જપ્ત, 38 લોકો સામે ગુનો દાખલ

પોલીસે સ્થળ તપાસ કરતા ટેબલો પર અડધા ભરેલા ગ્લાસ અને વિદેશી દારૂની 750 MLની 11 ખાલી તથા ભરેલી બોટલો મળી આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્થળ પરથી અન્ય કોઈ નશાકારક પદાર્થ મળ્યો નથી. આ મામલે પોલીસે પાર્ટીમાં સામેલ 35 આયોજકો/અમંત્રિતો તથા હોટેલ મેનેજર અને 3 સર્વિસ સ્ટાફ સહિત કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વિધિવત ગુનો નોંધ્યો છે.

92થી વધુ બ્લડ સેમ્પલ લેવાયા: CCTV અને હોટેલ સંચાલકોની તપાસ

નશાની હાલત ચકાસવા માટે પોલીસે ઘટનાસ્થળે અને આસપાસ હાજર 92થી વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ એકત્ર કરી ફોરેન્સિક પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દારૂની બોટલો બહારથી લાવવામાં આવી હતી કે હોટેલ સંચાલકોએ વ્યવસ્થા કરી આપી હતી તે દિશામાં પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ કબ્જે કરી ઊંડી તપાસ શરૂ કરી છે.