Home Sports
June 07, 2026

'2027 વર્લ્ડ કપ અને WTC પર ફોકસ કરો...': શુભમન ગિલ માટે BCCI એ ખેંચી લક્ષ્મણ રેખા

Paras Joshi

Author

Post Image

ભારતીય ક્રિકેટ ટીમમાં અત્યારે ટૂંકા ગાળાના પ્રવાસો ઉપરાંત આગામી ઘણા વર્ષોના રોડમેપને ધ્યાનમાં રાખીને મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી આઈપીએલ (IPL 2026) ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા 732 રન ફટકાર્યા હતા અને ટૂર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું હતું. આ જબરદસ્ત ફોર્મ જોતા એવું મનાતું હતું કે ભારતીય T20 ઇન્ટરનેશનલ ટીમમાં તેની વાપસી નિશ્ચિત છે, પરંતુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસની ટીમ જાહેરાતમાં તેનું નામ ગાયબ રહેતા ફેન્સ ચોંકી ગયા હતા. જોકે, હવે પસંદગીકારોના આ ચોંકાવનારા નિર્ણય પાછળનો આખો માસ્ટરપ્લાન સામે આવ્યો છે.

ભારતીય ટીમનું વ્યસ્ત શેડ્યૂલ અને વર્કલોડ મેનેજમેન્ટ

શુભમન ગિલ હાલમાં ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે. આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ અત્યંત વ્યસ્ત છે, જેને જોતા પસંદગીકારો ગિલને ત્રણેય ફોર્મેટમાં સતત રમાડીને થાકવા દેવા માંગતા નથી:

ટેસ્ટ ક્રિકેટ (WTC ચક્ર 2025-27): આગામી 1.5 વર્ષમાં ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ 9 અત્યંત મહત્વપૂર્ણ ટેસ્ટ મેચો રમવાનું છે.

વનડે ક્રિકેટ (ODI): વર્ષ 2027 ના વનડે વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાએ આશરે 35 જેટલા વનડે મુકાબલા રમવાના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, "સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે શુભમન ગિલ પર ઓવર-ક્રિકેટનો બોજ પડે. તેના ખભા પર ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપની મોટી જવાબદારી છે. આગામી બે વર્ષમાં ભારત સામે બે મોટા આઈસીસી લક્ષ્યો છે - WTC ફાઇનલ અને 2027 નો વનડે વર્લ્ડ કપ. તેથી ગિલની ફિટનેસ અને ફોર્મને ફ્રેશ રાખવા માટે આ નિર્ણય લેવાયો છે."

WTC ફાઇનલ અને 2027 વનડે વર્લ્ડ કપ છે મુખ્ય મિશન

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઇનલની રેસમાં બનેલા રહેવા માટે ભારત માટે આગામી મેચો કરો યા મરો સમાન છે. ટીમે બાકી રહેલી 9 ટેસ્ટ મેચોમાંથી ઓછામાં ઓછી 7 મેચો જીતવી અનિવાર્ય છે. આવી સ્થિતિમાં એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે ગિલ પર મોટી જવાબદારી રહેશે, તેથી બોર્ડ ઈચ્છે છે કે તેનું પૂરું ધ્યાન રેડ બોલ (ટેસ્ટ) ક્રિકેટ પર જ રહે.

આ સિવાય 2027 ના વનડે વર્લ્ડ કપને ભારતીય ક્રિકેટનું સૌથી મોટું મિશન માનવામાં આવી રહ્યું છે. વનડે ફોર્મેટમાં ગિલનો રેકોર્ડ અદભુત રહ્યો છે. બોર્ડનું માનવું છે કે ગિલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારતને આઈસીસી ટ્રોફીઓ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેથી લોન્ગ ટર્મ ફિટનેસ માટે તેને અત્યારથી જ સાચવવામાં આવી રહ્યો છે.

T20 ના દરવાજા હંમેશા માટે બંધ નથી થયા

શુભમન ગિલનો ઓવરઓલ T20 રેકોર્ડ ઘણો દમદાર છે. તેણે આઈપીએલ 2025 માં પણ 650 રન બનાવ્યા હતા અને આ વર્ષે 732 રન ઠોક્યા છે. જોકે, વર્ષ 2025 માં ભારતીય ટીમ માટે રમતા તેનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય સ્તરે નબળું રહ્યું હતું, જ્યાં તેણે 15 ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 291 રન બનાવ્યા હતા, જેના કારણે તેને ટીમમાંથી ડ્રોપ કરાયો હતો.

પીટીઆઈના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગિલ માટે T20 ક્રિકેટના દરવાજા કાયમ માટે બંધ નથી થયા. 2028 નો T20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ હજુ ઘણા દૂર છે. અત્યારે બોર્ડની પ્રાથમિકતા માત્ર આગામી વનડે વર્લ્ડ કપ સુધીની છે. બે વર્ષ પછી કયો ખેલાડી કેવા ફોર્મ અને ફિટનેસમાં હશે તે કહી શકાય નહીં, તેથી હાલ પૂરતું ગિલને વનડે અને ટેસ્ટ ક્રિકેટના કિંગ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.