ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોરાવરસિંહ જાદવે આખું જીવન લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું.
ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોરાવરસિંહ જાદવે આખું જીવન લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું.
તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક ઓળખ અપાવવા તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે. તેમની જાણીતી વાર્તાઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘મરદાઈ માથા સાટે’ જેવી લોકપ્રિય કૃતિઓનો સમાવેશ થાય છે. તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોરાવરસિંહ જાદવે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરીને અનેક લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતી લોકસાહિત્ય જગતએ એક મૌલિક સર્જક અને લોકપ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
વર્ષ 2019માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનું તેઓએ હંમેશા આ રીતે વર્ણન કર્યું હતું કે – “આ સન્માન મારું નહીં, પરંતુ લોકજીવન અને લોકકલાનું સન્માન છે.”
આકરુ ગામમાં થયો હતો જોરાવરસિંહનો જન્મ
ધંધુકા તાલુકાના આકરુ ગામમાં 10 જાન્યુઆરી, 1940ના રોજ જન્મેલા જોરાવરસિંહ જાદવે ગુજરાતી લોકસાહિત્યમાં અવિરત યોગદાન આપ્યું હતું. ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચ્યા બાદ તેમણે લોકજીવનના સંગીત, કથા અને કસબને પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું હતું.
પાછલા પાંચ દાયકાથી વધુ સમય દરમિયાન તેમણે લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકશિલ્પ, લોકનાટ્ય અને લોકસંગીતના વિવિધ પાસાઓ પર સંશોધન કરીને 93 જેટલાં પુસ્તકો લખ્યાં છે અને 7000થી વધુ લેખો પ્રકાશિત કર્યા છે.
ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી
લોક કલાકારોને એકસૂત્રમાં બાંધવા માટે તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેના માધ્યમથી 5000થી વધુ કલાકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. તેમના માર્ગદર્શન હેઠળ અનેક કલાકારો દુબઈ, અમેરિકા, કેનેડા, ઓમાન, ત્રીનીદાદ-ટોબાગો સહિત 50થી વધુ દેશોમાં પોતાની કલા રજૂ કરી શક્યા.
તેમની કૃતિઓમાં ‘લોકજીવનનાં મોતી’, ‘લોકસંસ્કૃતિની શોધ’, ‘નવા નાકે દિવાળી’, ‘ભાલપ્રદેશની લોકકથાઓ’ જેવી કૃતિઓ ખાસ જાણીતી છે. તેમને મેઘાણી સુવર્ણચંદ્રક, કવિ ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક જેવા અનેક સન્માનો મળ્યા હતા.
જોરાવરસિંહ જાદવ લોકકલાકારોમાં પ્રેમથી “બાપુ” તરીકે ઓળખાતા હતા. તેમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને માત્ર જાળવી રાખી નહીં, પણ તેને નવો શ્વાસ આપ્યો. તેમના અવસાન સાથે ગુજરાતી લોકસાહિત્યનું એક સુવર્ણ યુગ સમાપ્ત થયું છે, પરંતુ તેમની રચનાઓ, વિચારધારા અને લોકકલાપ્રેમી વ્યક્તિત્વ હંમેશા આવતી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.