PM મોદીનું ગ્રીન વિઝન સાકાર: વિશ્વ પર્યાવરણ દિવસે 100% ઇલેક્ટ્રિક પરિવહન અને 60 લાખ વૃક્ષો સાથે 'એકતા નગર' બન્યું ગ્રીન ટુરિઝમનું ગ્લોબલ મોડેલ
Paras Joshi
Author
આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણીય કટોકટીના ચિંતનમાં ડૂબેલું છે, ત્યારે ભારતે વિશ્વને પર્યાવરણ સંવર્ધનનો એક સચોટ અને જીવંત માર્ગ બતાવ્યો છે. નર્મદાના કિનારે રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિકસેલું 'એકતા નગર' આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હરિત અને સાતત્યપૂર્ણ (સસ્ટેનેબલ) વિકાસના સ્વપ્નને સાકાર કરતું દેશનું સર્વોચ્ચ ગ્રીન મોડેલ બની ગયું છે. વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬ ના વિશેષ અવસરે એકતા નગર માત્ર એક પર્યટન સ્થળ તરીકે જ નહીં, પરંતુ પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણમુક્ત પરિવહન, સ્વચ્છ વીજળી અને સ્થાનિક રોજગારીના સમન્વયનું એક વટવૃક્ષ બનીને ઉભર્યું છે.
PM મોદીના સંકલ્પને 5 વર્ષ પૂર્ણ
આ ક્રાંતિનો પાયો આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં, 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમણે દેશજોગ સંબોધનમાં એકતા નગરને ભારતનું પ્રથમ 'માત્ર ઈ-વ્હીકલ (ઇલેક્ટ્રિક વાહન) આધારિત ક્ષેત્ર' બનાવવાનું આહ્વાન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) દ્વારા આ વિઝનને મિશન મોડ પર ઉપાડી લેવાયું હતું. આજે ૫ વર્ષ બાદ, એકતા નગરમાં જાહેર અને સંસ્થાગત પરિવહન વ્યવસ્થા 100 ટકા ઇલેક્ટ્રિક બની ચૂકી છે, જેમાં કુલ 459 ઇલેક્ટ્રિક વાહનો સતત કાર્યરત છે:
પ્રવાસીઓની હેરફેર માટે 55 ઇલેક્ટ્રિક બસો
સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત ૭૫ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા (જે મહિલા સશક્તિકરણ, ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સ્થાનિક રોજગારીનો ઉત્તમ ત્રિવેણી સંગમ બની છે)
કર્મચારીઓની દૈનિક કામગીરી માટે 49 ઇલેક્ટ્રિક કાર
વિવિધ પ્રકલ્પોની મુલાકાત માટે 45 ગોલ્ફ કાર્ટ
પર્યાવરણપ્રેમીઓ માટે 235 ઇલેક્ટ્રિક સાયકલ
'ગ્રીનિંગ એકતા નગર' અભિયાન
એકતા નગરને હરિયાળું બનાવવા વન વિભાગના નાયબ વનસંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણના માર્ગદર્શન હેઠળ 'ગ્રીનિંગ એકતા નગર' પરિયોજના ચલાવવામાં આવી રહી છે. અહીં માત્ર વૃક્ષો વાવવામાં નથી આવ્યા, પરંતુ 100% ઉછેરની સફળતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ જ ૧૫.૨૨ લાખથી વધુ છોડ ઉછેરાયા છે, જેમાં વર્ષ 2023-24 માં 4.55 લાખ, 2024-25માં 5.67 લાખ અને 2025-26માં 5 લાખ વૃક્ષોનો સમાવેશ થાય છે. જ્યારે આગામી વર્ષ 2026-27 માટે વધુ ૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણથી અત્યાર સુધીમાં વિવિધ ઇકો-ટુરિઝમ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે 60 લાખથી વધુ નવા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. જેમાં 2.25 લાખ કેશુડા, 2 લાખ કૃષ્ણ કમળના છોડ, રસ્તાઓની આજુબાજુ ૧૫ લાખ છોડ અને ઇકો-ટુરિઝમ પ્રકલ્પોની સાઇટ્સ પર 30 લાખ છોડ સામેલ છે.
જાપાનીઝ 'મિયાવાકી ટેકનિક' અને જૈવવિવિધતાનું સંવર્ધન
શહેરી વન અને જૈવવિવિધતાના મોડેલ તરીકે અહીં ૧.૯૮ એકર વિસ્તારમાં જાપાનના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકીની પદ્ધતિથી 'મિયાવાકી ફોરેસ્ટ' વિકસાવવામાં આવ્યું છે. આ જંગલમાં ૧૦૫ વિવિધ પ્રજાતિના ૧,૦૭,૦૧૦ થી વધુ છોડ અત્યંત ઘનતા સાથે વાવવામાં આવ્યા છે. આ વનને ટિમ્બર ફોરેસ્ટ, ફ્રુટ ફોરેસ્ટ, મેડિકલ ફોરેસ્ટ અને મૂળ વન જેવા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જે આજે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓ માટે કુદરતી આશ્રયસ્થાન બન્યું છે.
આ સાથે, પર્યાવરણના સ્વાસ્થ્યના સૂચક ગણાતા પતંગિયાઓ માટે ખાસ 'બટરફ્લાય ગાર્ડન' બનાવાયું છે, જ્યાં 83 પ્રજાતિના પતંગિયાઓ માટે ૧૨,૧૬૩ થી વધુ પૂરક છોડ રોપાયા છે. જ્યારે ભવિષ્યની હરિયાળીના પાયા સમાન 'એકતા નર્સરી' માં ૨૪૪ પ્રજાતિના 2.40 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓને સ્મૃતિચિહ્ન તરીકે 'એકતા પ્લાન્ટ' ઘરે લઈ જવા પ્રોત્સાહિત કરાય છે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્તિ અને સૌર ઊર્જાનો પ્રકલ્પ
એકતા નગરે પોતાની જીવનશૈલીને પણ પર્યાવરણને અનુકૂળ બનાવી છે. અહીં સોપારીના પાનમાંથી બનેલા બાયોડિગ્રેડેબલ વાસણો, કાચની રિ-યુઝેબલ બોટલો અને વોટર સ્ટેશનો દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે પગલું ભરતા અહીં 5.83 મેગાવોટની કુલ ક્ષમતાવાળા સૌર ઊર્જા (સોલાર) પ્રોજેક્ટ્સ કાર્યરત કરાયા છે. જે દર વર્ષે 6.7 મિલિયન યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરે છે. એકતા નગરના પ્રશાસનિક ભવન, પાર્કિંગ-1,2 અને 3, જંગલ સફારી, ટેન્ટ સિટી, ગ્લો ગાર્ડન અને સરકારી આવાસ સંકુલ સહિત કુલ ૧૧ મહત્વના સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપીને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
ભવિષ્યનું સસ્ટેનેબલ મોડેલ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી (CEO) અમિત અરોરા અને નાયબ જનરલ મેનેજર (PR અને માર્કેટિંગ) રાહુલ પટેલે સંયુક્ત અહેવાલમાં જણાવ્યું છે કે, એકતા નગર આજે ભવિષ્યની રાહ જોતું નથી પરંતુ તેણે વડાપ્રધાનના 'ગ્રીન ડેવલપમેન્ટ' ના વિઝનને વર્તમાનમાં જ સાકાર કરીને બતાવ્યું છે. સ્વચ્છ પરિવહન, હરિયાળું આવરણ, જૈવવિવિધતા, જવાબદાર પર્યટન અને રિન્યુએબલ એનર્જી જેવા પાંચ મજબૂત સ્તંભો પર ટકેલી આ યાત્રા સાબિત કરે છે કે આર્થિક વિકાસ અને પર્યાવરણ સુરક્ષા એકબીજાના પૂરક બની શકે છે.