ભાસ્કર ઈન્સાઈડ:જ્વેલર્સમાંથી 10 લાખની બંગડી ઉઠાવનાર કાનપુરની મહિલા ગેંગની સૂત્રધાર પકડાઇ
admin
Author
અલકાપુરી-જેતલપુર રોડની પી.એન.ગાડગીલ એન્ડ સન્સ લી.જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાની ટોળકી 10 લાખની સોનાની 8 બંગડીનું પાઉચ સેરવી ગઈ હતી. આ ટોળકીની સૂત્રધાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. ઠગ મહિલાઓએ ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આપેલા આધારકાર્ડના આધારે 21 દિવસ સુધી તેમનું પગેરું દબાવી કાનપુરથી ઝડપી પાડી છે. અન્ય ત્રણ મહિલા ફરાર છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી શરૂ કરેલી તપાસ બાદ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો હતો.
આ અંગે શોરૂમના આસી.મેનેજર નિશાબેન દેવળાલીકરે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 8 ઓક્ટોબરે શોરૂમમાં બપોરે 3 મહિલા ગ્રાહક આવી હતી. જેમને શું લેવા આવ્યો છો તેમ પૂછ્યું હતું. તેમણે બંગડી બતાવવા કહ્યા બાદ બંગડીઓ જોઈ રહી હતી
જો કે બીજી બંગડી બતાવવા કહેતા આલ્બમ પણ બતાવ્યું હતું. મહિલાઓને બંગડી પસંદ આવી નહોતી. ત્યારબાદ તેઓ જતી રહી હતી. રાત્રે આઠ વાગે ગણતરીમાં સોનાની 8 બંગડી ઓછી જણાઈ હતી. સીસીટીવીમાં ત્રણ મહિલા 77.340 ગ્રામની રૂ.10.01 લાખની 8 બંગડીનું પાઉચ સેરવી લેતી જણાતાં ગુનો નોંધાયો હતો.
ક્રાઈમ બ્રાન્ચે મહિલા ટોળકીની તપાસ કરતાં સ્ટેશન પાછળના ગેસ્ટ હાઉસમાં જતા ફૂટેજ મળ્યા હતા. જેના રજીસ્ટરમાં મહિલાઓનું સરનામું ઉત્તર પ્રદેશના કાનપુરનું મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે મહિલા ટોળકીની સૂત્રધાર સંજુ રવિન્દ્ર ગજોધર ગુપ્તા રહે, કાનપુરને ઝડપી પાડી છે. કાનપુરની જ અન્ય ત્રણ મહિલા પ્રાચી તિવારી, અર્ચના સિંહ, સોની કમલને ફરાર જાહેર કરી છે.
જયપુરમાં ચોરી ન થઇ શકતાં મહિલાઓ વડોદરા આવી, 3 દિવસ ચોરી કરવા રહી કાનપુરની મહિલા ગેંગ દેશભરમાં ગુના કરતી હતી. તહેવારોમાં જ્વેલર્સના શો રૂમમાં ભીડનો લાભ લઈ ચોરી કરતી હતી. મહિલાઓ ટ્રેનમાં જયપુર ગઇ હતી. ત્યાં શો રૂમોમાં પ્રયત્ન કર્યા પરંતુ ચોરીની તક ન મળી. પછી તે જયપુરથી ટ્રેનમાં વડોદરા પહોંચી હતી અને વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ સ્ટેશન પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં 3 દિવસ રોકાઇ હતી. ત્યાંથી ચોરી કરવા રોજ વિવિધ વિસ્તારોમાં ફરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ચાર પૈકીની એક મહિલા ગેસ્ટ હાઉસમાં રોકાતી હતી, ચોરી કરવા જતી મહિલાઓ ઝડપાઈ જાય તો એ સ્થળ ઉપર જઈ એમને બચાવવાનો પ્રયાસ કરતી હતી.
ગેસ્ટ હાઉસમાં રોકાવા માટે જમા કરેલા આધાર કાર્ડના આધારે ઠગ મહિલાઓને ઝડપી લેવાઈ 10 લાખની બંગડીઓ લઇ ઠગ મહિલાઓ રીક્ષામાં ભાગી હતી. જે સીસીટીવીમાં કેદ થઇ હતી. રિક્ષાના નંબરના આધારે સીસીટીવી તપાસતાં મહિલાઓ સ્ટેશન પાછળના ગેસ્ટ હાઉસમાં જતી જોઈ હતી. ગેસ્ટ હાઉસના સીસીટીવી અને રજીસ્ટર ચેક કરી મહિલાઓએ આપેલા આધાર કાર્ડની કોપી મેળવી હતી. જેમાં સરનામું કાનપુરનું હતું. ટીમે 21 દિવસ પીછો કરી સૂત્રધાર મહિલાને પકડી છે. > આર.જી.જાડેજા, પીઆઇ, ક્રાઈમ બ્રાન્ચ