સયાજી હોસ્પિટલમાં હડકવા સંદર્ભે વિશેષ રજિસ્ટર બનાવાયું છે. જેમાં અપાયેલી 17 કોલમમાં દર્દીથી લઈ પ્રાણીની માહિતી ભરવાની રહેશે. દર્દીને કૂતરા સહિત કોઈ પણ પ્રાણી કરડ્યા બાદ જીવતું છે કે નહીં તે વિશે પણ માહિતી આપવાની રહેશે.
સયાજી હોસ્પિટલના રેબીઝ કંટ્રોલ નોડેલ ઓફિસર એસ.એસ. સિંહના જણાવ્યા અનુસાર પ્રાણી કરડ્યા બાદ દર્દીને હડકવાની 4 રસી આપવાની હોય છે. જેમાં 0-3-7-28 દિવસોમાં રસી આપવાની રહે છે. જોકે પ્રાણી કરડ્યા બાદ 10 દિવસ સુધી તે જીવે છે કે નહીં તે જણાવવાનું રહેશે.
કરડ્યા બાદ પ્રાણી જીવતું હોય તો તેને હડકવા નથી અને તે મૃત્યુ પામ્યું છે તો હડકવા છે. જો પ્રાણી મૃત્યુ પામ્યું હોય તો ચોથી રસી આપવાની રહેશે. જોક પ્રાણીનો પત્તો ન લાગે તો પણ 4 રસી અપાય છે. સાથે હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં એન્ટી રેબીઝ વેક્સીન સેન્ટર ઊભું કરાશે.
હાલમાં હડકવાના દર્દીને ઈમર્જન્સી વિભાગમાંથી ઓપીડીમાં ઈન્જેક્શન લેવા જવું પડે છે. જોકે સયાજી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર નવા ઈમર્જન્સી વોર્ડનું નિર્માણ કરાયું છે. જેથી જૂનો વોર્ડ, કેસ બારી, પોલીસ ચોકીનું રિનોવેશન કરાશે, જ્યાં વેક્સીન સેન્ટર ઊભું કરાશે, જેમાં તમામ સુવિધા હશે. જેથી દર્દીઓને ઓપીડી સુધી ધક્કો નહીં ખાવો પડે. નોંધનીય છે કે, સરકાર દ્વારા 2030 સુધી હડકવા નાબૂદ કરવાનું લક્ષ્ય રખાયું છે.
ખાનગી હોસ્પિટલ્સને પણ ટ્રેનિંગ આપવા તાકીદ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ્સ અને પાલિકાઓને તમામ ખાનગી દવાખાનાઓના તબીબને આ બાબતે ટ્રેનિંગ આપવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે હડકવા અંગે વધુમાં વધુ જાણકારી લોકો સુધી પહોંચાડવી. જેને પગલે આગામી વર્ષ 2030 સુધી ઝીરો હ્મૂમન રેબીઝ ડેથનું લક્ષ્ય મેળવી શકાય.
1 મહિનામાં 3 હજાર લોકોએ હડકવાની રસી લીધી
- સયાજી હોસ્પિટલ 933
- ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ 250
- જમનાબાઈ હોસ્પિટલ 869
- 4 અર્બન હેલ્થ સેન્ટર 1084