Home National
August 24, 2026

મેદાન પર ગરમાવો: યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન બોલર વચ્ચે તીખી બોલાચાલી

Paras Joshi

Author

Post Image

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન કોલંબોના મેદાન પર એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભારતીય ઈનિંગ્સની 17th ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન પેસર અસિથા ફર્નાન્ડો વચ્ચે તીખી બોલાચાલી અને શારીરિક ઝપાઝપી જેવો માહોલ સર્જાયો હતો. બંને ખેલાડીઓ પોતાની ટીમોની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો છે.

ઝઘડાનું મુખ્ય કારણ

17th ઓવરના છેલ્લા બોલ પર અસિથા ફર્નાન્ડોએ યશસ્વી જયસ્વાલને ક્લીન બોલ્ડ કર્યો હતો. આઉટ થતાં પહેલાં યશસ્વી જૈસ્વાલે 53 બોલમાં 45 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. બોલ્ડ થયા બાદ યશસ્વી શાંતિથી પેવેલિયન તરફ પાછા ફરી રહ્યા હતા. તે જ સમયે બોલર અસિથા ફર્નાન્ડોએ તેમની તરફ જોઈને કંઈક ટિપ્પણી કરી. આ સાંભળીને યશસ્વી ગુસ્સામાં પાછળ ફર્યા અને અસિથા તરફ વધી ગયા. બંને ખેલાડીઓ વચ્ચે બહસ એટલી વધી ગઈ કે તેઓ હેડ-ટુ-હેડ (માથાથી માથું) અથડાવવા લાગ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને શ્રીલંકાના અન્ય ખેલાડીઓએ તુરંત વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા, ત્યારબાદ યશસ્વી પેવેલિયન તરફ પરત ફર્યા હતા.

યશસ્વીનું ઈનિંગ્સમાં યોગદાન અને મેચની સ્થિતિ

યશસ્વી જૈસ્વાલે ભારતીય ઈનિંગ્સને સારો પાયો આપ્યો હતો. પ્રથમ વિકેટ માટે કે.એલ. રાહુલ સાથે 37 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ દેવદત્ત પડિક્કલ સાથે બીજી વિકેટ માટે 29 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીઓના દમ પર ભારતે કોલંબો ટેસ્ટના પ્રથમ દિવસે લંચ સુધીમાં 25 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 88 રન બનાવી લીધા હતા. યશસ્વી આઉટ થયા બાદ કેપ્ટન શુભમન ગિલ બેટિંગ માટે ક્રિઝ પર આવ્યા છે. ગોલ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાને પોતાના કેપ્ટન પાસેથી મોટી ઈનિંગ્સની આશા રહેશે.