PoK માં પાકિસ્તાની સેનાનો આતંક અને નરસંહાર: ભારતે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને કર્યું ખુલ્લું
Paras Joshi
Author
PoK માં પાકિસ્તાની વહીવટીતંત્ર અને સૈન્ય શાસનના દમન વિરૂદ્ધ સ્થાનિક નાગરિકોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી PoK ના અલગ-અલગ વિસ્તારોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રચંડ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેને દબાવવા માટે પાકિસ્તાની સેના અને સ્થાનિક પોલીસ અત્યંત ક્રૂર અને બર્બર રસ્તો અપનાવી રહી છે. આ લોહિયાળ સંઘર્ષ અને માનવાધિકારોના ખુલ્લેઆમ ઉલ્લંઘન પર ભારત સરકારે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને આડે હાથ લીધું છે અને દુનિયા સામે તેનો અસલી હિંસક ચહેરો ખુલ્લો પાડી દીધો છે.
ભારતીય વિદેશ મંત્રાલયનો આકરો પ્રહાર
PoK માં સર્જાયેલી હિંસક પરિસ્થિતિ પર સત્તાવાર પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પાકિસ્તાન સરકારની આકરી ટીકા કરી છે. તેમણે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે, PoK માં પાકિસ્તાની પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સ્થાનિક નાગરિકો પર કરવામાં આવેલી ગંભીર બર્બરતા અને અત્યાચારના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. આ હિંસામાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે સ્પષ્ટપણે માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે.
રણધીર જાયસવાલે વધુમાં જણાવ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે આ હિંસા બાદ પાકિસ્તાન તરફથી સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે નકલી (ફેક) વીડિયો અને ખોટા સમાચારો ફેલાવવાનું એક ચોક્કસ પેટર્ન ચાલી રહ્યું છે. પાકિસ્તાનનો આ પ્રયાસ માત્ર અને માત્ર પોતાની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવાનો અને PoK માં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પરથી દુનિયાનું ધ્યાન ભટકાવવાનો છે.
27 લોકોના મોત, હોસ્પિટલો ઘાયલોથી ઉભરાઈ
પાકિસ્તાની સેનાના દમનને કારણે PoK માં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં અલગ-અલગ શહેરોમાં થયેલી હિંસા અને સેનાના ફાયરિંગમાં કુલ 27 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 200 થી વધુ પ્રદર્શનકારીઓ ગોળીબાર અને લાઠીચાર્જમાં ઘાયલ થયા છે. માનવાધિકાર કાર્યકર્તાઓનો આરોપ છે કે જનતાનો અવાજ દબાવવા માટે પાકિસ્તાની હાઈકમાન્ડે મુઝફ્ફરાબાદ, રાવલકોટ, પૂંચ, મીરપુર અને નીલમ ઘાટી જેવા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ નેટવર્ક સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે, જેથી ત્યાં ચાલી રહેલા નરસંહારના વીડિયો બહાર ન આવી શકે.
સિંધના નેતા શફી બુરફતની ભારત અને UN ને ગુહાર: 'અમને બચાવો'
PoK અને પાકિસ્તાનના અન્ય પ્રદેશોમાં સેનાના અત્યાચાર સામે જીય સિંધ મુત્તાહિદા મહાજના ચેરમેન શફી બુરફતે ભારત સહિત સમગ્ર વિશ્વના લોકશાહી દેશોને આગળ આવવા અપીલ કરી છે. શફી બુરફતે સોશિયલ મીડિયા પર જારી કરેલા પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાની આર્મી દ્વારા કરવામાં આવી રહેલા આ જઘન્ય અપરાધોની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે સંયુક્ત રાષ્ટ્ર (UN), ભારત, યુરોપ, બ્રિટન (UK), મિડલ ઈસ્ટ, ઈસ્ટ એશિયા, આફ્રિકા અને સેન્ટ્રલ એશિયા સહિત દુનિયાના તમામ સભ્ય દેશો અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને હાથ જોડીને અપીલ કરીએ છીએ કે તેઓ PoK અને સિંધમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા નરસંહાર અને સરકાર પ્રેરિત અત્યાચારો પર તાત્કાલિક ધ્યાન આપે અને આ હિંસા રોકવા માટે તુરંત રાજદ્વારી હસ્તક્ષેપ કરે.
શા માટે ભડકી છે આંદોલનની આગ?
PoK માં આ ભયાનક અશાંતિ પાછળનું મુખ્ય કારણ રાજકીય અન્યાય છે. અહીંની 12 અનામત વિધાનસભા બેઠકો પર પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલી કથિત હેરાફેરી અને વહીવટી ભેદભાવને લઈને જમ્મુ-કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) અને અન્ય સ્થાનિક સંગઠનો દ્વારા લાંબા સમયથી મોટું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જનતાનો આરોપ છે કે પાકિસ્તાન આ બેઠકોનો ઉપયોગ પોતાના કઠપૂતળી નેતાઓને બેસાડવા માટે કરી રહ્યું છે, જેના કારણે સ્થાનિક કાશ્મીરીઓનો અધિકાર છીનવાઈ રહ્યો છે. હવે આ આંદોલન પાકિસ્તાનથી આઝાદી મેળવવાના મોટા જનવિદ્રોહમાં ફેરવાઈ ગયું છે.