શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહીં હોતા, સર્જન ઔર પ્રલય ઉસ કી ગોદ મે પલતે હૈ
admin
Author
શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહીં હોતા, સર્જન ઔર પ્રલય ઉસ કી ગોદ મે પલતે હૈ
ચાણક્યનું આ એક વાક્ય શિક્ષક વિશે ઘણુ બધુ કહી દે છે.માનવીના જીવનમાં શિક્ષકનું આગવુ સ્થાન હોય છે. પ્રગતિની પથ પર જ્યારે વિદ્યાર્થી હતાસ અને નિરાશ થાય છે ત્યારે શિક્ષક તેને આગળ વધવા પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્તમ નૈતિક મૂલ્યોનું સિચન થાય છે.
વર્ષ ૨૦૨૨માં બોટાદ જિલ્લામાંથી શિક્ષક ધર્મેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલની બદલી છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ જડીયાણા ગામની પ્રાથમિક શાળામાં થઇ હતી. રાઠ પ્રદેશમાં રાઠવી ભાષાનું બોલ-ચાલમાં ચલણ હોવાથી બહારથી આવતા શિક્ષકો અને સ્થાનિક બાળકોને કોમ્યુનિકેશન કરવામાં ઘણી તકલીફ પડે છે.
શિક્ષક ધર્મેન્દ્રભાઈ પટેલ સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, ખાસ અંતરિયાળ વિસ્તારમાં વિધાર્થીઓ સ્થાનિક બોલી બોલતા હોવાથી તેમને વાંચન અને લેખનમાં ઘણી તકલીફ પડતી. વિધાર્થીઓ ગુજરાતીમાં શબ્દો સરળતાથી બોલી શકે તે માટે શાળામાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાની મૂળભૂત બાબતો શીખવવાની શ્રેષ્ઠ રીત બારાક્ષડી મુજબ શબ્દો શોધવાની રમત વિકસાવવી. શરૂઆતમાં પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની બે ટીમ બનાવી તેમને બારાક્ષડીમાંથી કા અને બા વાળા શબ્દો શોધવા આપ્યા. વધુને વધુ શબ્દો શોધવા માટે વિદ્યાર્થીઓને વધુ વાંચન કરવુ પડતું. બોર્ડ ઉપર રમાતી શબ્દોની રમતથી તેઓ શબ્દો શોધતા, વાંચતા, બોલતા અને લખતા શિખ્યા. ધીરે ધીરે વિદ્યાર્થીઓએ પોતાનો નાનો શબ્દકોશ તૈયાર કર્યો. આ શબ્દકોશમાં એક જ શબ્દ વારંવાર આવતા હોય કે ખોટો શબ્દ શોધવું મુશ્કેલ હતું.
શિક્ષક ધર્મેન્દ્રભાઈએ કહે છે કે મે આ વાત મારા કમ્પ્યુટર એન્જીનિયર બનતા દિકરા દેવ પટેલને કરી. તેણે મને મદદરૂપ થાય એવી https://word-competetion.netlify.app/ શબ્દ સ્પર્ધા (word-competetion) નામની એપ્લિકેશન બનાવી આપી. આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ શબ્દ બોલે અને સેવ કરે આમ ખોટા શબ્દો અને બેવડાતા શબ્દો દૂર થવા લાગ્યા. આ રમત રમવાની વિદ્યાર્થીઓને મજા પડવા લાગી. જડીયાણા શાળામાં કરેલો પ્રયોગ સફળ થતા જિલ્લાના અન્ય શિક્ષકોને આ એપ્લિકેશન શેર કરી જેથી બીજા વિદ્યાર્થી પણ રમતા રમતા શબ્દકોશ બનાવતા શિખે.
વર્ષ ૨૦૨૪માં જિલ્લા કક્ષાએ ઇનેવેશન કાર્યક્રમ અંતર્ગત શિક્ષક ધર્મેન્દ્રભાઈએ ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતા કેલેન્ડર એકમ પર આધારીત કેલેન્ડર બનાવ્યું હતું. અંગ્રેજી મહિના અને તહેવારના થીમ પર બનેલા આ કેલેન્ડરની વિશેષતાએ છે કે ધોરણ ૧ થી ૮માં આવતા લેખકો- કવિઓના જન્મદિન અને મરણદિન, વિદ્યાર્થીઓના જન્મદિન,શિક્ષકોના જન્મદિન, મહત્વના દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે દિવસે શિક્ષકો વિધાર્થીઓ માટે ભોજન ગીફટનુ આયોજન કરે છે જેથી વિધાર્થીઓ દરરોજ આ કેલેન્ડર જોવે છે. આ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેલેન્ડર બનાવતા અને જોતા શિખ્યા છે.
શિક્ષક ધર્મેન્દ્રભાઈની https://word-competetion.netlify.app/ આ એપ્લિકેશનથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓના શબ્દભંડોળમાં વધારો થયો. રમતા રમતા વિદ્યાર્થીઓની ભાષાશુદ્ધી અને લેખન કાર્યમાં નવા શબ્દોનો પ્રયોગ કરતા થયા. આમ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વૃદ્ધી જોવા મળી.