છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામના કરસનભાઈ સલાટની પરંપરાગત પથ્થર કળાની ગાથા
admin
Author
મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાકીને નિહાત્રો,પોળ, ખલ,ઘંટીમાં રૂપાંતરિત કરતા – કરસનભાઈ
આદિવાસી વિસ્તારોમાં ભરાતી હાટ બજારોએ પંરપરાગત કળાને જીવંત રાખી છે. દાતા થી ઉમરગામના પટામાં આવતી આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના સાત દિવસ અલગ અલગ સ્થળો પર હાટ બજાર ભરાય છે. સોમવાર થી રવિવાર સુધી ભરાતી હાટ બજારમાં આતંરિયાળ ગામોના ગ્રામ્યજનો પોતાના જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે આવે છે.
હાટ બજારમાં તિર કામઠા,ખેતીના ઓજારો,અનાજ ભરવાના વાસના મોહ્ટી,ટોપલી,ટોપલા,સુપડા, પથ્થરમાંથી બનાવેલ નિહાત્રો,પોળ, ખલ, ઘંટી, માટીના વાંસણો, કરિયાણું, કપડા, હાથે બનાવેલ દોરડા, મરી મસાલા,ફરસાણ જેવી અનેક જીવન જરૂરીયાતની સ્થાનિક વસ્તુઓ મળતી હોય છે.
છોટાઉદેપુર તાલુકાના ઝોઝ હાટમાં કરસનભાઈ સલાટ એવા જ એક કારીગર છે, જે આજે પણ પરંપરાગત પથ્થર કળા દ્વારા નિહાત્રો, પોળ, ખલ અને ઘંટી બનાવે છે. આ માત્ર એક વ્યવસાય નહીં પરંતુ એક સંસ્કૃતિ છે, જે "લોકલ ફોર વોકલ" જેવી સંકલ્પનાઓનું જીવંત ઉદાહરણ છે. વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ હવે બહુ ઓછા જોવા મળે છે.
કરસનભાઈ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, તેઓ છોટાઉદેપુર અને મહિસાગરમાંથી પથ્થરનું પરિક્ષણ કરી લાવે છે. આ મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાકીને નિહાત્રો,પોળ, ખલ,ઘંટીમાં રૂપાંતરિત કરે છે. તેઓ જણાવે છે કે, પથ્થરની ગુણવત્તા યોગ્ય ન હોય, તો આખો પ્રયાસ નિષ્ફળ જવાનો ભય રહે છે. આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે.
કરસનભાઈ ઝોઝ ગામના હાટમાં પોતાનો ધંધો કરે છે. ઝોઝ હાટ બજારમાં પોળ,ખલ,ઘંટી વેચે છે જયારે હાટ ન હોય ત્યારે કરસનભાઈ ગામે ફરીને લોકોના ઘર સુધી પહોંચે છે. જેમને પોળ,ખલ,ઘંટી ટકાવી હોય તો તેમને ટાકી આપી છે જેના બદલામાં મજુરીરૂપે મકાઈ, ડાંગર અથવા રૂપિયા મળે છે.
કરસનભાઈ કહે છે કે, દાળ વાટવા માટે પોળની માગ હજુ પણ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં જ્યારે અડદના ઢેબરા બનતા હોય ત્યારે દરેક ઘરમાં પોળની જરૂરિયાત હોય છે. આ માગને ધ્યાનમાં રાખીને તેમનો વ્યવસાય હજી પણ જીવંત છે. જેમાં તેમની મહેનત, કુશળતા અને પરંપરાની આગવી છાપ છે. આવી કળાઓ અને કારીગરો માટે "લોકલ ફોર વોકલ" જેવી પહેલો એક પ્રેરણા છે. કરસનભાઈ જેવી હસ્તીઓએ બતાવે છે કે જો આપણે આપણાં મૂળને નહીં વીસર્યા, તો વૈશ્વિક પદાર્થોની વચ્ચે પણ સ્થાનિક શ્રમ અને સંસ્કૃતિનું મૂલ્ય ટકી શકે છે.
આજના સમયમાં જ્યારે શહેરોમાં પેકેટ બંધ મસાલા અને ફેક્ટરીમાં તૈયાર થતી દાળ સામાન્ય બની ગઈ છે. આવા સમયમાં પણ જંગલકાંઠાના વિસ્તારના લોકો મસાલા અને દાળ પોળમાં વટાવીને જે અનેરો સ્વાદ લાવે છે જે લોકોની દાઢે વળગી રહે છે.