200 કિલો બદામ અને 80 કિલો કાજુનો ઓર્ડર આપી હસમુખ જૈને ચૂનો ચોપડ્યો, અમદાવાદમાં રૂ. 9.26 લાખનું 'ડ્રાયફ્રૂટ કૌભાંડ'
Paras Joshi
Author
અમદાવાદ શહેરમાં શ્રદ્ધા અને લાગણીઓનો અનાદર કરી વેપારીઓને આર્થિક ફટકો મારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ જૈન નામના શખ્સે પોતાના જીવિત પિતા મરણ પામ્યા હોવાનું નાટક કરી અને પુણ્યતિથિના બહાને અમદાવાદના ૫ જેટલા ડ્રાયફ્રૂટ વેપારીઓ પાસેથી રૂ. 9.26 લાખથી વધુનો માલ સામાન પચાવી પાડ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની ધડપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
હોસ્પિટલના ખાટલેથી મળ્યો ઓર્ડર
કૃષ્ણનગરમાં 'હર્ષ એન્ડ કંપની ડ્રાયફૂટ' ધરાવતા દેવારામ મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે આરોપી હસમુખ જૈને ફોન કરીને પોતાના પિતાની પુણ્યતિથિ હોવાનું જણાવ્યું હતું. તેણે 200 કિલો બદામ, 15 કિલો પિસ્તા અને 80 કિલો કાજુ (કુલ કિંમત રૂ. 4.54 લાખ) નો ઓર્ડર આપી પેમેન્ટ ચેકથી ચૂકવવાની ખાતરી આપી હતી. વેપારીએ દુકાનમાંથી રેપિડો રિક્ષા મારફતે માલ રવાના કર્યો હતો.
ચેક બાઉન્સ થતાં સામે આવી ઠગાઈ
આરોપીએ રેપિડો બાઇક મારફતે SBI બેંકના બે અલગ-અલગ ચેક મોકલ્યા હતા, જે બેંકમાં જમા કરાવતા જ એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. વેપારીએ ઉઘરાણી કરતા આરોપીએ પહેલા RTGS થી પૈસા ટ્રાન્સફર કરવાનું બહાનું બતાવ્યું અને બાદમાં ઓઢવ ખાતે પોતાના પિતા પાસે રોકડા લેવા મોકલ્યા હતા. પરંતુ વેપારી ત્યાં પહોંચતા જ ખબર પડી કે જેના મરણના નામે ઓર્ડર આપ્યો હતો તે પિતા તો જીવતા હતા.
અન્ય ૪ વેપારીઓ પણ બન્યા શિકાર
આરોપીએ વારંવાર ફોન ઉપાડવાનું બંધ કરી દેતા તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ શખ્સે શહેરના અન્ય ૪ વેપારીઓને પણ આ જ રીતે શીશામાં ઉતાર્યા છે.
1. વિજય રમેશચંદ્ર અગ્રવાલ (શાહીબાગ): રૂ. 1,58,980ની ઠગાઈ
2. રમેશકુમાર વેલારામ ચૌધરી (ઓઢવ): રૂ. 3,85,000ની ઠગાઈ
3. દિલીપભાઈ ડુંગાજી પ્રજાપતિ (નિકોલ): રૂ. 3,07,660ની ઠગાઈ
4. અરવિંદકુમાર કેશવલાલ પટેલ (સેટેલાઇટ): રૂ. 75,000ની ઠગાઈ
કઈ રીતે ઝડપાયો આરોપી?
કૃષ્ણનગર પોલીસ મથકે સૌ પ્રથમ ફરિયાદી દ્વારા અરજી દાખલ કરાઈ. બાદમાં ફરિયાદી દ્વારા જાત તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો અને તેને પકડીને પોલીસને સોંપી દેવાયો હતો. ત્યારબાદ કૃષ્ણનગર પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.