Home Gujarat
August 20, 2026

ગુજરાત એસ.ટી. નિગમનો ઐતિહાસિક નિર્ણય: દૈનિક મુસાફર પાસ યોજનામાં મળશે 50% સુધીની રાહત

Paras Joshi

Author

Post Image

રાજ્યમાં દરરોજ એસ.ટી. બસ (GSRTC) માં અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ, વેપારીઓ અને નાનો-મોટો વ્યવસાય કરતા મુસાફરોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં સુધારો કરીને ભાડા રાહતમાં વધારો કરી તેને ૫૦ ટકા સુધી કરી દેવામાં આવ્યો છે.

પાસ યોજનાના નવા માળખામાં થયેલા મુખ્ય ફેરફારો

નિગમ દ્વારા દૈનિક પાસ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરોને સીધો આર્થિક ફાયદો થશે. અગાઉ માસિક પાસ મેળવવા માટે મુસાફરે ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. જેમાં ઘટાડો કરીને હવે માત્ર ૧૫ દિવસનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, મુસાફરો હવે માત્ર ૧૫ દિવસના ભાડામાં આખા ૩૦ દિવસ સુધી અમર્યાદિત મુસાફરી કરી શકશે. અગાઉ ત્રણ મહિનાના પાસ માટે ૫૪ દિવસનું ભાડું લેવામાં આવતું હતું, જેના સ્થાને હવે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને સતત ૯૦ દિવસ (૩ મહિના) સુધી મુસાફરીનો લાભ મેળવી શકાશે.

૨.૫ લાખથી વધુ મુસાફરોને દર મહિને થશે સીધો આર્થિક ફાયદો

ગુજરાત એસ.ટી. નિગમના આ લોકાભિમુખ નિર્ણયથી રાજ્યમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે ૨.૫ લાખથી વધુ નોકરિયાતો, વેપારીઓ અને દૈનિક અપ-ડાઉન કરનારા વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. નિગમના આ નિર્ણયથી વધુને વધુ નાગરિકો સલામત, સુવિધાજનક અને આરામદાયક જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત થશે.