Home Entertainment
August 20, 2026

ગોવિંદા અને સુનીતા અહૂજા વચ્ચેના ડિવોર્સ ડ્રામાનો અંત: સુનીતાએ તલાકની અરજી પાછી ખેંચી

Paras Joshi

Author

Post Image

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા અહૂજાની પર્સનલ લાઈફ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા રિપોર્ટ્સ સુધી બંને વચ્ચેના વિવાદોની વાતો થઈ રહી હતી. આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સુનીતા અહૂજાએ ગોવિંદાથી અલગ થવા માટે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. આ સમગ્ર બાબતે ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ 'અમર ઉજાલા' સાથે વાતચીત કરતી વખતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

મેનેજર શશિ સિંહાએ સુનીતાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ સાથે જ પરિવારની અંગત બાબતોને જાહેર કરવા બદલ નારાજગી પણ વ્યક્ત કરી છે. શશિએ કહ્યું, "હા, આ સમાચાર સંપૂર્ણપણે સાચા છે અને હું તેનું સ્વાગત કરું છું. ભલે મોડું થયું પરંતુ સમજણ આવી. પરંતુ આટલી બદનામી કરાવીને, ઘરની ઈજ્જત રસ્તા પર લાવીને ચારેય તરફ ઉભી કરી દીધી. તેમણે વધુમાં ઉમેર્યું કે, શરૂઆતમાં જ એ વિચારવું જોઈતું હતું કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. જો પરિવારનો કોઈ મુદ્દો હોય તો ઘરમાં બેસીને જ ઉકેલવો જોઈએ. ઘરમાં લડાઈ, ઝઘડો કે ગૂંચવણ ગમે તે હોય, તે પરિવાર પૂરતું જ રહેવું જોઈએ, તેનો તમાશો બનાવવો જોઈતો નહોતો.

શશિ સિંહાએ ખુલાસો કર્યો કે આ કોઈ નવો કે તાજેતરનો કેસ નથી પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષથી ચાલી રહ્યો હતો. છૂટાછેડાની અરજી તો 2 વર્ષ પહેલા જ ફાઈલ કરવામાં આવી હતી. પરંતુ આટલા લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક મતભેદોને સાર્વજનિક કરવાને બદલે આપસમાં બેસીને ઉકેલવાની કોશિશ કરવી જોઈતી હતી.

સુનીતાએ અરજી પાછી ખેંચવા પાછળનું કારણ જણાવતા મેનેજરે કહ્યું કે, સુનીતાને લાગ્યું કે આ વાતને કોઈ સમર્થન નથી મળી રહ્યું. મીડિયા, પબ્લિક કે ઓડિયન્સ પણ તેને સ્વીકારી રહી નહોતી. તેથી જ તેમને લાગ્યું કે કોર્ટના નિર્ણયની રાહ જોવા કરતા આ મામલો સમાપ્ત કરવો જ યોગ્ય છે. બીજી તરફ, સુનીતા દ્વારા અરજી પાછી ખેંચવામાં આવ્યા બાદ અત્યાર સુધી ગોવિંદા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.