રણબીર કપૂર અને યશની 'રામાયણ 1' ના ટ્રેલરે મચાવી ધૂમ: માત્ર 2 દિવસમાં 35 કરોડથી વધુ લોકોએ જોયું ટ્રેલર!
Paras Joshi
Author
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ અને બહુચર્ચિત મુવી ‘રામાયણ 1’ ના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ વ્યુઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 48 કલાકની અંદર જ આ ટ્રેલરને 350 મિલિયનથી વધુ ડિજિટલ વ્યૂઝ મળ્યા છે, જે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે રહેલા અપાર ઉત્સાહને સ્પષ્ટપણે દર્શાવે છે. સામાન્ય દર્શકોથી લઈને ફિલ્મ વિવેચકો અને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓએ પણ આ ટ્રેલરની મુક્ત મને પ્રશંસા કરી છે. રામાયણ એ ભારતીય સંસ્કૃતિ અને લોકોની ઊંડી આસ્થા સાથે જોડાયેલી ગાથા છે.
રામાનંદ સાગરની 'રામાયણ' જોઈ ચૂકેલી પેઢી આજના આધુનિક સિનેમા અને નવી સ્ટાર કાસ્ટ સાથે બનેલી આ 'રામાયણ' ફિલ્મ જોવા માટે અત્યંત ઉત્સુક છે, જેથી ટ્રેલર રિલીઝ થતા જ લોકો તેને જોવા તૂટી પડ્યા. મેકર્સે લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને અનોખી પ્રમોશનલ યોજના બનાવી. તાજેતરમાં આયોજિત કરાયેલા વિશેષ ઈવેન્ટનું નામ 'પ્રથમ સંકલ્પ' રાખવામાં આવ્યું હતું, જેમાં સિનેમા સિવાયના ક્ષેત્રોના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે ભગવાન શ્રી રામના જીવન સાથે જોડાયેલી દિલ સ્પર્શી વાતો શેર કરવામાં આવી હતી.
અત્યાર સુધી દર્શકો અરુણ ગોવિલને શ્રી રામના રૂપમાં જોતા આવ્યા છે, પરંતુ આ ટ્રેલરમાં તેઓ રાજા દશરથની ભૂમિકામાં પણ ખૂબ જ આકર્ષક લાગ્યા છે. તે સિવાય શ્રી રામના પાત્રમાં રણબીર કપૂર અને રાવણના પાત્રમાં સાઉથ સુપરસ્ટાર યશનો અભિનય લોકોને ખૂબ પસંદ પડ્યો છે. શૂર્પણખા બનેલી રકુલ પ્રીત સિંહ અને કૈકેયીના લૂકે સોશિયલ મીડિયા પર જબરદસ્ત હાઇપ ઊભી કરી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કલ્પનાતીત VFX અને ભવ્ય સેટ્સના વિઝ્યુઅલ્સની પ્રશંસા થઈ રહી છે. ટ્રેલરમાં શ્રી રામ (રણબીર કપૂર) નો આંખે પાટા બાંધીને નિશાન સાધવાનો સીન હોય કે પછી ઐરાવત હાથીનું ભવ્ય દ્રશ્ય હોય, આ તમામ ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ટ્રેલરમાં આપવામાં આવેલી ટેગલાઇન્સ જેવી કે ‘અમારું સત્ય’, ‘અમારો ઈતિહાસ’ લોકોના દિલને સ્પર્શી ગઈ છે. રાવણના રૂપમાં યશની ગ્રાન્ડ એન્ટ્રી, તેનો દમદાર ડાયલોગ ‘તમારો નવો રાજા’, તથા વનવાસ દરમિયાન રણબીર કપૂરના ડાયલોગ્સ અને ‘હું મારી સીતાને પાછી લાવીશ’ જેવા સંવાદો તથા પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિકે ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે.