Home Entertainment
August 06, 2026

'બંટવારા 1947' થી મોટા પડદા પર પાછી ફરી પ્રીતિ ઝિન્ટા

Paras Joshi

Author

Post Image

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા 8 વર્ષ બાદ પોતાની નવી ફિલ્મ 'બંટવારા 1947' થી સિનેમાજગતમાં પુનરાગમન કરી રહી છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજન અને પંજાબના ભાગલાની પીડાદાયક વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં પ્રીતિ અને સની દેઓલ ફરી એક સાથે જોવા મળશે. આ પહેલા બંને 'ફર્ઝ', 'ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય' અને 'ભૈયાજી સુપરહિટ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ દ્વારા 25 વર્ષ પછી આમિર ખાન અને પ્રીતિ ઝિન્ટા પણ એક પ્રોજેક્ટ સાથે જોડાયા છે. જોકે, આમિર ખાન આ ફિલ્મમાં અભિનય કરવાને બદલે નિર્માતા (Producer) તરીકે જોડાયેલા છે.

આમિર ખાનના એક ફોને બદલી નાખ્યો નિર્ણય

પ્રીતિએ ખુલાસો કર્યો હતો કે તેને લાંબા સમયથી ફિલ્મોની ઓફર મળી રહી હતી, પરંતુ તે કોઈ પ્રોજેક્ટ માટે તૈયાર થતી નહોતી. ત્યારે આમિર ખાનનો ફોન આવ્યો હતો. જ્યારે ખબર પડી કે ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે, ત્યારે તેણે વાર્તા સાંભળવાનું નક્કી કર્યું. પ્રીતિએ પહેલાં જ આમિરને ના પાડી દીધી હતી કે તે અત્યારે ફિલ્મો નથી કરી રહી, પણ આમિરે સ્ક્રિપ્ટ સાંભળવાનો આગ્રહ રાખ્યો. ફિલ્મનો છેલ્લો સંવાદ (ડાયલોગ) સાંભળીને પ્રીતિ ભાવુક થઈ ગઈ અને તરત જ હા પાડી દીધી.

ધર્મેન્દ્ર સાથે ખાસ મુલાકાત

શૂટિંગ દરમિયાન આમિર ખાન માત્ર એક જ વાર સેટ પર આવ્યા હતા, પરંતુ મુંબઈમાં નરેશન દરમિયાન સની દેઓલના ઘરે તેની મુલાકાત ધર્મેન્દ્ર સાથે થઈ હતી. વાર્તા સાંભળ્યા પછી ધર્મેન્દ્રજી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

8 વર્ષ પછી કેમેરા સામે નર્વસ થઈ હતી પ્રીતિ

લાંબા બ્રેક પછી કેમેરા સામે આવવું પ્રીતિ માટે સરળ નહોતું. તેણે જણાવ્યું કે, વિદેશથી ફ્લાઇટમાંથી ઉતરીને તરત જ તેના સામાન આવ્યા વગર લુક ટેસ્ટ થયો અને બીજા જ દિવસે શૂટિંગ શરૂ થઈ ગયું. પહેલા જ દિવસે ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ અઘરા સીન્સનું શૂટિંગ રાખ્યું હતું, જેથી પ્રીતિ નર્વસ થઈ ગઈ હતી. તે સમયે સની દેઓલે તેને શાંત પાડી હતી અને પ્રોત્સાહિત કરી હતી.

સની દેઓલના વખાણ: પ્રીતિએ જણાવ્યું કે સની આજે પણ પહેલા જેવા જ દયાળુ, શાંત અને ઉદાર છે. તે સેટ પર બધા માટે સરસ ખાવાનું લાવે છે અને રીટેક્સ વખતે પણ હિંમત આપે છે. હવે ચાહકો આતુરતાપૂર્વક 'બંટવારા 1947' માં પ્રીતિ ઝિન્ટાના કમબેકની રાહ જોઈ રહ્યા છે.