Home Politics
April 06, 2026

PM મોદીએ બંગાળમાં પરિવર્તનનો હુંકાર કર્યો, કહ્યું - 4 મે પછી ગુંડાઓનું આવી બનશે

Paras Joshi

Author

Post Image

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી દરમિયાન ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બંગાળમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવાનો અને સિન્ડિકેટ રાજ ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સંદેશખાલિની ઘટના અને માલદામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાનો ઉલ્લેખ કરી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 'મોદીની ગેરંટી' આપતા કહ્યું કે 4 મેના રોજ પરિણામો બાદ ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને બંગાળમાં ભાજપની સરકાર મહિલા સશક્તિકરણનો માર્ગ મોકળો કરશે.

વડાપ્રધાન મોદીએ કૂચબિહારની જનમેદનીને સંબોધતા કહ્યું કે બંગાળની જનતામાં અત્યારે ટીએમસીના ભ્રષ્ટાચાર અને હિંસા વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડની ઐતિહાસિક રેલીને યાદ કરતા કહ્યું કે ત્યાંથી જે પરિવર્તનનું રણશિંગુ ફૂંકાયું હતું, તેના પર આજે કૂચબિહારની જનતાએ મહોર મારી દીધી છે. પીએમ મોદીના મતે ટીએમસીની 'કરપ્શન કંપની' અત્યારે જનતાના મિજાજને જોઈને ભયભીત છે. તેમણે 'પલટાનો દોરકાર ચાઈ ભાજપ સરકાર' (પરિવર્તન જોઈએ, ભાજપ સરકાર જોઈએ) ના નારા સાથે બંગાળમાં સત્તા પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ ટીએમસી અને ભાજપ વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે એક તરફ ટીએમસીનો ભય અને સિન્ડિકેટ રાજ છે, તો બીજી તરફ ભાજપનો વિકાસ અને ભરોસો છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસી સરકાર ઘૂસણખોરોને અહીં વસાવી રહી છે, જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવતા જ તમામ ઘૂસણખોરોને બંગાળની બહાર કાઢશે. વડાપ્રધાને કટમની અને ભ્રષ્ટાચારના મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે રાજ્યની પાવન માટી પર અત્યારે લોકશાહી દરરોજ લહુ લુહાણ થઈ રહી છે.

સંદેશખાલિની દુખદ ઘટનાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની બહેનો અને દીકરીઓ પર નિર્મમ અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, જેની ચીખો આખો દેશ સાંભળી રહ્યો છે. તેમણે જનતાને ભરોસો આપ્યો હતો કે ચૂંટણી બાદ એક-એક પાપનો હિસાબ લેવામાં આવશે. પીએમ મોદીએ ચેતવણી આપી હતી કે 4 મેના પરિણામો બાદ કાયદો પોતાનું કામ કરશે અને ભલે ગમે તેટલો મોટો ગુંડો હોય, તેને છોડવામાં આવશે નહીં. તેમણે ન્યાય અપાવવાની ખાતરી આપતા કહ્યું કે ગુનેગારોએ જે અત્યાચાર કર્યા છે તેનો દંડ ભોગવવો જ પડશે.