Home Politics
April 05, 2026

"મોદીની ગેરંટી" થી ગાજ્યું કેરળ: પીએમ મોદીએ સબરીમાલા પ્રોજેક્ટ મુદ્દે સરકારને ઘેરી

Paras Joshi

Author

Post Image

કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે તિરુવલ્લા પહોંચેલા પીએમ મોદીએ એલડીએફ સરકાર પર વિકાસને અવરોધવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેરળમાં એલડીએફ અને યુડીએફના કારણે વિકાસ થંભી ગયો છે. પીએમ મોદીએ સબરીમાલા રેલવે પ્રોજેક્ટ અને મેડિકલ કોલેજોની નબળી સ્થિતિનો ઉલ્લેખ કરી 'મોદીની ગેરંટી' આપી હતી કે ડબલ એન્જિન સરકાર આવતા જ તમામ અટકેલા કામો પૂરા થશે. તેમણે પૂર્વોત્તર રાજ્યો અને ગોવાના ઉદાહરણ આપી ખ્રિસ્તી સમાજને પણ વિકાસ સાથે જોડવાની વાત કરી હતી.

વડાપ્રધાને જનમેદનીને સંબોધતા કહ્યું કે, હું અગાઉ પણ અહીં આવ્યો છું, પરંતુ આ વખતે હવાનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. કેરળમાં હવે સૌથી મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. 9 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ દાયકાઓના કુશાસનના અંતની જાહેરાત થશે. એલડીએફ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આ પક્ષોએ ક્યારેય કેરળના લોકોની પરવા કરી નથી. કેરળ અત્યારે એલડીએફ અને યુડીએફ વચ્ચે ફસાયેલું છે, પરંતુ આ વખતે જનતા બંનેને બહારનો રસ્તો બતાવશે.

પીએમ મોદીએ કેરળની ભૌગોલિક સ્થિતિ અને સંસાધનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈશ્વરે આ ભૂમિને અપાર સંભાવનાઓ આપી છે. અહીં બ્લુ ઈકોનોમી અને પર્યટન ક્ષેત્રે વિકાસની પુષ્કળ તકો છે, તેમ છતાં કેરળ વિકાસની દોડમાં અન્ય રાજ્યો કરતા પાછળ રહી ગયું છે. તેનું મુખ્ય કારણ અહીં વર્ષોથી સત્તા પર રહેલી સરકારો છે. વડાપ્રધાને સબરીમાલા અને ભગવાન અયપ્પાનો ઉલ્લેખ કરી તેને સાંસ્કૃતિક જોડાણ સાથે સાંકળ્યું હતું અને મહિલાઓના સમર્થનને પોતાની સૌથી મોટી તાકાત ગણાવી હતી.

વિકાસના મુદ્દે સરકારને ઘેરતા પીએમ મોદીએ કહ્યું કે આ વિસ્તારમાં કનેક્ટિંગ રસ્તાઓની હાલત ખરાબ છે અને વર્ષોથી કોઈ મોટો બ્રિજ બન્યો નથી. સબરીમાલા રેલવે પ્રોજેક્ટ વિશે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં નવી તકો ખોલી શકે તેમ હતો, પરંતુ રાજ્ય સરકારે તેને લટકાવી રાખ્યો છે. તિરુવલ્લાને આના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. વડાપ્રધાને વચન આપ્યું કે જ્યારે ભાજપની ડબલ એન્જિન સરકાર આવશે ત્યારે આવા તમામ અવરોધો દૂર થશે - આ મોદીની ગેરંટી છે.