પુડુચેરીમાં મોદી મેજિક: રોડ શોમાં ઉમટ્યું માનવમહેરામણ, ફૂલોના વરસાદથી થયું ભવ્ય સ્વાગત
Paras Joshi
Author
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પુડુચેરીમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે એક ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં જનમેદની એટલી મોટી સંખ્યામાં ઉમટી પડી હતી કે રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. 'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ' ના નાદથી સમગ્ર પુડુચેરી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો હતો. આ રોડ શોમાં વિદેશી પ્રવાસીઓ પણ વડાપ્રધાનનો ક્રેઝ જોઈને મંત્રમુગ્ધ થયા હતા અને આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાને મુખ્યમંત્રી એન. રંગાસ્વામી અને અન્ય નેતાઓ સાથે અજંતા સિગ્નલ પોઈન્ટથી રાજા થિયેટર સિગ્નલ સુધી આશરે 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે જનતાને AINRC-BJP ગઠબંધનને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ રોડ શો બાદ પીએમ મોદી કેરળના પ્રવાસે જશે, જ્યાં તેઓ તિરુવલ્લામાં જનસભા સંબોધશે અને તિરુવનંતપુરમમાં વધુ એક રોડ શો કરશે. કેરળમાં 9 એપ્રિલે મતદાન થવાનું હોવાથી પીએમ મોદીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે.